મંગળવાર, 21 એપ્રિલ, 2015

SATISHKUMAR PATEL

SATISHKUMAR PATEL


શું આપના બાળકને અંગૂઠો ચૂસવાની આદત છે?

Posted: 21 Apr 2015 04:36 AM PDT

ઘણાં બાળકોમાં અંગૂઠો ચૂસવાની આદત હોય છે. અમુક બાળકોને પહેલા વર્ષે જ આ આદત છૂટી જાય છે તો ઘણાં બાળકોને 6-7 વર્ષનાં થાય ત્યાંસુધી આ આદત છૂટતી જ નથી. ઘણી વખત આ સામાન્ય આદત બાળકમાં કોઈ પ્રકારની વર્તન સામસ્યા કે માનસિક સમસ્યા સૂચવે છે. આજે જાણીએ આ આદતનાં કારણો ને એનાથી કઈ રીતે પીછો છોડાવી શકાય. નાના બાળકને ચૂસવાની આદત હોય છે. બાળક જેવું જન્મે એવું તરત જ માતાનું ધાવણ ધાવી શકે છે. તેને કોઈએ શીખવાડવું નથી પડતું કે કઈ રીતે ચૂસી શકાય. તે તેને આવડે જ છે. ઘણાં બાળકો માતાના ગર્ભની અંદર પણ અંગૂઠો ચૂસતા હોય છે. બાળકની ચૂસવાની જરૂરિયાત પર વાત કરતાં પીડિયાટ્રિશ્યન કહે છે, 'ચૂસવાથી તેને તેનો ખોરાક મળે છે માટે જ તેની અંદર ભાવના જાગ્રત થાય છે અને એ ભાવના છે સંતોષની. નાના બાળકના શરીરમાં ઘણાબધા ફેરફાર થતા હોય છે. ખાસ કરીને પહેલા એક વર્ષમાં. આ ફેરફારો અને પોતાના વિકાસ સાથે તાલમેલ બેસાડવો એક નાનકડા બાળક માટે સહેલી વસ્તુ નથી. ચૂસવાથી બાળકને સુરક્ષાનો અનુભવ થાય છે. આ સંતોષ અને સુરક્ષા જ છે જેની બાળકને ઘણી મોટી ઉંમર સુધી ખૂબ જ જરૂર હોય છે.' નુકસાન અંગૂઠો ચૂસવાની આદત જો કોઈ બાળકને પમાં 4 વર્ષની ઉંમર સુધી હોય તો કોઈ ખાસ પ્રૉબ્લેમ થતો નથી. આ આદત ઘણી જ કૉમન છે અને એ ધીમે-ધીમે એની મેળે છૂટતી જાય છે. જો 4 વર્ષથી ઉપરના બાળકને આ આદત પડી હોય તો એ ચિંતાનું કારણ બની શકે છે. એ વિશે ડોકેટર કહે છે, 'ખાસ કરીને અંગૂઠો ચૂસવાને લીધે બાળકને વારંવાર ઇન્ફેક્શન થવાનો ડર રહે છે, કારણ કે હંમેશાં બાળકનો અંગૂઠો સાફ જ રહે એવું કહી શકાય નહીં. આ ઉપરાંત અંગૂઠો ચૂસવાને કારણે બાળકના દાંત ખરાબ આવે છે. ખાસ કરીને ઉપરના દાંત આગળ પડતા રહી જાય છે. આ ઉપરાંત ઘણાં બાળકો જે ખૂબ લાંબા સમય સુધી અંગૂઠો ચૂસવાની આદત ધરાવે છે તેમને બોલવામાં પણ થોડી તકલીફ પડે છે. કાં તો આવાં બાળકો મોડું બોલતાં શીખે છે અને કાં તો આવાં બાળકો અમુક અક્ષર બરાબર બોલી શકતાં નથી. આ આદતને છોડાવવા શું કરશો ? મોટા ભાગના લોકો ઘરગથ્થુ ઉપચાર અપનાવતા હોય છે જેમાં અંગૂઠા પર કડવાણી કે મરચું લગાવીને રાખે કે જેથી ખરાબ અનુભવ થતાં બાળક અંગૂઠો ચૂસવાનું ભૂલી જાય. ક્યારેક બાળકો માતા-પિતાનું અટેન્શન પામવા માટે પણ આવું કરતાં હોય છે. આવા સમયે તેની આ આદત વિશે કોઈ ચર્ચા જ ન કરો. તેને અવગણશો તો આદત આપોઆપ છૂટી જશે. ઘણી વખત એવું બને છે કે બાળકને જેની ના પાડો એ જ કરવાની તેને મજા આવતી હોય છે. ત્યારે તેને સીધી રીતે ના પાડવા કરતાં આડકતરી રીતે સમજાવો. જેમ કે તેની સામે એકબીજા સાથે વાત કરો કે ફલાણો છોકરો અંગૂઠો ચૂસતો હતો તો કેટલો ગંદો લાગતો હતો! ક્યારેય બાળકને આ આદતને કારણે ખિજાઓ નહીં કે તેનું અપમાન ન કરો. બધાની વચ્ચે તેને ખરાબ લાગે એમ ટોકતા નહીં. ઊલટું તેને જેટલું સમજાવીને પ્રેમથી કામ લઈ શકાય એટલું લો. જો બાળક તમારી વાત માનીને અંગૂઠો ચૂસવાની આદત છોડે એટલે કે એકાદ દિવસ કે અમુક કલાકો અંગૂઠો ચૂસ્યા વગરના વિતાવે તો તેને વખાણો. તેની પ્રશંસા કરો. બાળક અંગૂઠો કેમ ચૂસે છે એના મુખ્ય કારણને પકડો. જો કોઈ પ્રકારની ઇનસિક્યૉરિટી હોય, અસંતોષ હોય તો પહેલાં એને દૂર કરવા મહેનત કરો. જો બધું જ કર્યા છતાં 5થી 6વર્ષની ઉંમર પછીથી પણ બાળક અંગૂઠો ચૂસ્યા કરે તો કોઈ નિષ્ણાત પાસે તેને લઈ જવું જોઈએ. તેને કોઈ બિહેવિયરલ પ્રૉબ્લેમ હોઈ શકે છે અથવા કોઈ માનસિક પ્રૉબ્લેમ પણ હોય એવું બને.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો